31st March 2024 – Message by Shri Dharmendrabhai Karia at Change of Guard Ceremony at Mahajanwadi of Shree Khopoli Pareli Jambhulpada Lohana Mahajan

માનનીય ઘટક મહાજન પ્રતિનિધિઓ ,

આજે મારા હૃદયના ગહનતમ ખૂણામાંથી શબ્દોનું સંગીત ઉદ્ભવી રહ્યું છે, અને આ સંગીત કશું નથી પરંતુ આપ સૌના પ્રતિ અપાર આભાર અને કૃતજ્ઞતાનું. શ્રી લોહાણા સમાજ સંગઠન, કોંકણ વિભાગના પ્રમુખ તરીકે મારી આ યાત્રા પર્વ પૂર્ણ થયેલ છે, પરંતુ સ્મૃતિઓનું સમુદ્ર સદા મારા હૃદયમાં લહેરાતું રહેશે.
આજે આપ સૌ માટે મારા હૃદયની ગહેરાઇઓમાંથી ઉદ્ભવતી આભારની લાગણીઓ અને અનુભૂતિને શબ્દોની માળામાં પિરોઈ રહ્યો છું. કોંકણ વિભાગની સેવામાં મારી ક્ષમતાઓને સમર્પિત કરતાં મારા છ વર્ષના કાર્યકાળમાં, આપ સૌએ મને જે અપાર પ્રેમ, અખંડ સાથ અને અડિખમ અમૂલ્ય સહકાર આપ્યો, તેની માટે હું કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરું છું.

આપણા કોંકણ વિભાગની પ્રગતિના પથ પર મારી પગદંડીઓ આપ સૌના સહયોગથી જ સુદૃઢ બની છે.
જાન્યુઆરી ૨૦૨4 માં શ્રીલોહાણા મહાપરીષદ દ્વારા મહારાષ્ટ્ર ઝોનને ‘બેસ્ટ ઝોન ૨૦૨૩’નો ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત થયો છે, તે સિદ્ધિમાં કોંકણ વિભાગનો યોગદાન અમુલ્ય છે. આપ સૌ ઘટક મહાજનની અદમ્ય સંકલ્પના બળ અને અતુલ્ય સહકારથી જ એ સ્વપ્ન પૂર્ણ થયેલ છે.

આપણા સંગઠનની પ્રગતી યાત્રા માં મને દરેક ઘટક મહાજન પ્રમુખ, માનદ મંત્રી તથા સર્વે પદાધિકારીઓનો સાથ અને સહકાર અનંન્ય રહ્યો છે. ખાસ કરીને મારી ટીમનો, હર્ષદભાઈ  મણિધર , સ્વાતિબેન ઠક્કર , કેયુરભાઈ ઠક્કર અને ભરતભાઈ ચંદનનો, જેમની અવિરત મહેનત અને સાથને હું વિશેષ આભાર આપું છું. આપ સર્વેના યોગદાન વિના આ સફર અધુરી હોત.
રવિવાર, તારીખ ૩૧/૦૩/૨૪ ની ખોપોલી મહાજન ખાતે ની સભામાં, આપણે કોંકણ વિભાગના નવા પ્રમુખ તરીકે શ્રી અભયભાઈ તન્ના (ખોપોલી) નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. આપણા સંગઠનની સેવાની એક નવી અધ્યાયની શરૂઆત થઈ છે, અને મને આશા અને વિશ્વાસ છે કે આપણે સૌ અભયભાઈને પણ એ જ સન્માન, સાથ અને સહકાર આપી, આપણી એકતા અને સંગઠનની શક્તિ આપણને નવા આયામો સુધી લઇ જશે.
આપણા સમાજની એકતા અને સમરસતાની ભાવના સદાય અકબંધ રહે એ જ મારી હાર્દિક શુભેચ્છા છે. આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, અને આપણા સમાજની સતત ઉન્નતિ માટે મારી શુભકામનાઓ સદાય તમારી સાથે છે.

સાદર સાથ સહકાર સાથે,

ધર્મેન્દ્ર વાલજી કારીયા

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *